તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે? | Life Lesson

Karnav Shah
0



    જીવનની સૌથી જરૂરી શીખ હું તીવ્ર વેદના, અનુભવો અને સ્વાજનોને ગુમાવીને જ શીખ્યો છુ. મારી સત્ય હકીકત આ લિંક ઉપર જોઈ શકો છો: Karnav Shah (कर्णव शाह)’s answer to I want to die. I am 34, jobless and heartbroken. What should I do?


    હું શું શીખ્યો અને સમજ્યો એનો સારાંશ આ મુજબ છે;


    કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના. લોકો શુ કહેશે, અને કહે છે એ વિચારીને નિર્ણય નહીં લેવો જોઈએ. લોકો તમને ચોર કહે, લુચ્ચા કહે, નફ્ફટ કહે, ટીકા કરે, તમને કોઈની પરવા હોવી જોઈએ નહીં. તમે તમારી સમજશક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણય લઈ શકો છો. સંબંધોની ગરિમા હવે બદલાઈ રહી છે. જે લગ્ન સાત જન્મના વચનોથી પ્રારંભ થતા હતા એ સાત વર્ષમાં જ સમાપ્ત થાય તો હવે મોટી વાત નથી રહી. આથી, હું માનું છું કે લગ્નના નિર્ણયો ભાવનાત્મક નહીં પણ સમજદારીથી આર્થિક, સામાજિક, જરૂરત અને અપેક્ષાઓના ખુલાસા અને ચર્ચા કરી અને સમજીને જ લેવા જોઈએ.


    દુનિયા આખી તમને સલાહ આપશે. તમારા પેરેન્ટ્સ, ભાઈ, બહેન, મિત્રો અને એડવાઈઝરો બધા તમને ધંધાકીય, સંબંધોની, બાળકો માટે, રોકાણ માટે, સ્વાસ્થ્યની સલાહો આપશે, પરંતુ એ સલાહ ઉપર ચાલીને સારું અથવા ખરાબ પરિણામ અને એમાંથી ઉદભવતા સંજોગોમાં તમારે જીવવાનું છે, આથી, તમને સ્પર્શતી કોઈ પણ વસ્તુમાં છેવટનો નિર્ણય તમારો જ હોવો જોઇએ. પૈસો જીવનમાં જરૂરી છે, પણ શાંતિ અને સારું હેલ્થ સૌથી વધુ જરૂરી છે. પૈસાથી જરૂરિયાતો પૂરી કરી શકાય છે, પરંતુ જીવનને માણવા માટે સારું હેલ્થ, સારી આદતો અને માનસિક શાંતિ ખૂબ જ જરૂરી છે, જો ના સમજાય તો તમારા શહેરના અનાથ આશ્રમ, વૃદ્ધા આશ્રમ, જેલના કેદીઓ, કોર્ટ-પોલીસ સ્ટેશનના ચકકરો કાપતા લોકો અથવા તમારા પરિવારના કોઈ અનુભવી વ્યક્તિ સાથે સમય પસાર કરી જોજો, કદાચ સમજાઈ જશે.


    સમાજ પાસેથી કશું લેવું જોઇએ નહીં, પણ સમાજ ને હંમેશા આપવું જોઇએ. તમે તમારી સ્કિલ, અનુભવ, આર્થિક સહાય, શૈક્ષણિક – ધંધાકીય – નોકરીની તકો લોકોને આપી શકો છો. મોટી ગાડી, આઈફોનથી બે મિનિટની લકઝરી મળશે, તમારા અહમને પણ અમુક લાકઝરીથી પોષી શકશો, પણ તમે કરેલી મહેનત માટે તમને સંતોષ અને મોટિવેશન ત્યારે જ મળશે જ્યારે તમે તમારી સફળતા લોકો સાથે શેર કરશો. માણસના વિકાસને પૈસાથી માપવો જોઈએ નહીં. જો તમારા માતાપિતા પૈસા કમાવા ઉપર જોર આપે, તમારા આર્થિક અને શૈક્ષણિક વિકાસને લોકોની સિદ્ધિઓ સાથે સરખાવી તમારા ઉપર અપેક્ષા અને સરખમણીનો બોજો નાખે તો પ્રેમ અને ધીરજપૂર્વક, તમારી અસહમતી દર્શાવો. બાળકો અને માતાપિતા એકબીજાને પ્રેરીત કરી શકે છે. બાળકો પ્રેરિત કરે એટલે હંમેશા એવું હોઈ ના શકે કે બાળકો ઉદ્ધત વર્તન કરે છે.


    માતાપિતાને જજડ કરવા નહીં. એમને ખૂબ પ્રેમ કરો. એમની તકલીફમાં ઉભા રહો. જનરેશન ગેપ હોઈ શકે, પણ એ ગેપના કારણે તમે માતાપિતાને માનસિક પીડા અને તાણ આપો એ યોગ્ય નથી. માતાપિતાનું જાહેરમાં સ્વમાન જાળવો અને એમના હિતોની રક્ષા કરો. આ સાથે, માતાપિતાની કોઈ સલાહ અયોગ્ય લાગે, નુકસાનકારક જણાય તો તમારે યોગ્ય સમય એમને બદલાવ માટે આપવો જોઈએ. માણસ સ્વભાવને ત્વરિત બદલી શકતો નથી. પતિ અને પત્ની એકબીજાને જે ખાનગી વાત કરે, એની જાહેરાત કોઈ પણ પરિસ્થિથીમાં નહીં કરવી. ઝઘડો થાય તો પણ ખાનગી વાતો ઉખાડવી જોઈએ નહીં. જો કોઈ આવું કરે તો તમારી શીખ સમજીને બીજી વાર જીવનસાથી અને સ્વજનોને આવી વાત કરવી નહીં. આવી ચર્ચાઓથી ત્રીજી વ્યક્તિના જીવન ઉપર અથવા એની સાથેના તમારા સંબંધો ઉપર ખરાબ અસર પડી શકે છે.
દંપતિઓએ ઝઘડો થાય ત્યારે શાંતિ અને મૌન જાળવવાનો પ્રયાસ કરવો. બંન્નેના પરિવારને ઝઘડાથી અને સલાહસુચનથી દૂર રાખવા. અંગત ટિપ્પણી ટાળવી. લગ્નજીવનમાં આવેલો ખરાબ સમય એ ગૃહસ્થ જીવનની પરીક્ષા છે. તમારા લગ્નજીવનની જાહેરમાં મજાક બનાવવામાં તમારું હિત નથી, એમા માત્ર લોકોનું મનોરંજન છે. વિશ્વાસ જાળવવો એ દાંપત્ય જીવનનું સૌથી મહત્વનું કર્મ છે.


    જીવનમાં બચત હંમેશા કરવી. બચત તમને બધા જ કપરા સમય માંથી બહાર કાઢશે અને વૃદ્ધવસ્થામાં સ્વનિર્ભરતા અને આઝાદી આપશે. જીવનમાં ઘણી વાર તમારું યુઘ્ધ તમારા સૌથી પ્રિય વ્યક્તિ સાથે હોઈ શકે, આ સ્થિતિમાં ભાવનાત્મક નહીં થવું જોઈએ. ભાગવત ગીતા ને શિક્ષક તરીકે લઈ, તમારો રસ્તો કાઢવો. તમારે અને મારે છેલ્લે માટીમાં મળી જવાનું છે. આજે જે પણ કઇંક છે, એ આજ થી 50 વર્ષ પછી ક્યાં હશે, શુ હશે? કશું જ નહીં હોઈ. અંતે તો પીડામુક્ત જીવન જ આદર્શ જીવન છે, એ કયાતો અનુભવે સમજાય ક્યાં તો આપણી સમજશક્તિ આપણને સમજવામાં મદદ કરી શકે. સમજશક્તિથી સમજવામાં હું શાણપણ માંનુ છુ.


    અપેક્ષાઓ ઓછી કરો, મોહ માયા મર્યાદિત કરો, જે તમને દુશ્મન સમજે છે એને આદર આપો, કડવાશો ઓછી કરો. જીવનધોરણ કરી શકો એટલું સાદું રાખો. વ્યક્તિગત સપનાઓ, ઇચ્છઓ પુરી કરો. લકઝરી કમ્ફર્ટ માટે પરવડે તો ખરીદી શકાય, પરંતુ દેખાડા માટે લકઝરી વસ્તુઓ ખરીદવી એ તમારા આર્થીક હિતોનું નુકસાન છે. તમને પ્રેરિત કરે એવું વાંચન રાખો. જરૂર પડે ત્યાં માફી મંગવાનો ગુણ કેળવો. શાંત રહેવાના પ્રયાસ કરો અને કોઈ પણ સારી અને ખરાબ ઘટનાઓમાં રીએક્સન તરત આપવાનું ટાળો.


    જો તમે ઘરના વડીલ હોવો અથવા મુખ્ય આર્થિક નિર્ણયો લેતા હોવા તો, તમારો અભિગમ ભાવનાત્મક નહીં પણ તર્ક અને સમજશક્તિના સંયોજનથી બનેલો હોવો જોઇએ. નકારાત્મક વિચારવું નહીં. નકારાત્મક બોલનાર, ડરાવનાર અને નૈતિક દ્રષ્ટિએ ખોટા હોય એવા વ્યક્તિઓ, સહી સમયે નહીં ઉભા રહે એવા મિત્રો અને તમને નીચા પાડે એવા પરિવારના સભ્યો સાથે વ્યવહારિક કામકાજમાં અંતર રાખવું.


    જીવનમાં ખૂબ જ ગંભીર બાજુલ થાય તો સમજણથી, એક્સપર્ટની સલાહ લઈ એને સુધારવી જોઈએ. લગ્નજીવનમાં સમસ્યા થાય તો મેરેજ કાઉન્સેલર તમારા માતાપિતા અને મિત્રો કરતા વધુ સારી રીતે વાસ્તવિક સમસ્યા દર્શાવી શકે છે. જે ગૃહસ્થ જીવનમાં માત્ર બેવફાઈ, જુઠ્ઠાણું અને ઘરેલુ હિંસા સતત હોય, એવું ગૃહસ્થ જીવન ટકવા પાત્ર નથી. લગ્ન એ અપેક્ષા પૂર્તિ કરવાની સાધન નથી. લગ્ન એ નારીવાદ, નારીના અધિકારો અને પુરીશની મર્દાનગીનું પ્રદર્શન કરવાનું કોઈ પ્લેટફોર્મ નથી. લગ્ન દહેજ લઈ કુરિવાજોને પોષણ આપવાની તક નથી. લગ્ન પ્રેમ કરી તરછોડી દેવા જેવી વસ્તુ નથી. પતિપત્ની એ એકબીજા સાથે જુથ્થું બોલવું જોઈએ નહીં, અને બિનઉપયોગી દલીલો ટાળવી જોઈએ.


    આજે હું બધી જ રીતે ખૂબ જ સક્ષમ છુ, પરંતુ આ સફળતા મને અનેક પીડા અને આર્થિક અને માનસિક નુક્સાન માંથી પસાર થયા પછી મળી છે. હું ઘણી ઘટનાઓ ટાળી શકતો હતો, પણ ધીરજ અને સમજના અભાવે અને વધુ પડતા ભાવનાત્મક સ્વભાવે મને ખૂબ વેદનામય અનુભવ આપ્યા છે, જેનું કંઈક અંશે આજે પણ મને દુઃખ થાય છે, પરંતુ મેં મારા જીવનને, કારકિર્દીને અને અભિગમને 360 ડિગ્રી બદલી નાખ્યું, અને આજે હું મારી જાતને અને પરિવારને સુખી, સુરક્ષતિ અને સમૃદ્ધ જોઈ રહ્યો છું.


    તમારું સત્ય કહીને, પારદર્શક થવાથી, મનની શાંતિ કોઈ દિવસ ઝોખમાતી નથી, લોકો તમને સારા ખરાબ કહે એનાથી તમારૂ ભાવિ નક્કી નથી થતું. કશું જ નહીં છુપાવવાથી તમને ઊંઘ સારી આવે છે, તમારી કોઈ નબળાઈ રહેતી નથી, તમે ભયમુક્ત રહો છો, અને કોઈ તમને હરાવી અને ડરાવી નથી શકતું. વિજય એના પક્ષમાં છે જેને લાલચ નથી, પારદર્શક છે, ઈમાનદાર છે અને ખુદને કાબુમાં રાખી શકે છે. બાકી સુખ, દુઃખ અને જીવનના નાના મોટા યુદ્ધો એક જ વસ્તુ છે, ફર્ક માત્ર દૃષ્ટિકોણનો છે.


ક્વોરો.કોમ ઉપર કર્ણવની પ્રોફાઈલ અહીં વિઝીટ કરો.


 

Post a Comment

0 Comments

Thank you for your communication. I really appreciate you take your valuable time reading this BLOG.

I welcome your feedback, suggestion or further communication in any matter.

KARNAV SHAH

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top